એક બાદશાહની ચાર પત્નીઓ હતી, બાદશાહ ચારેયને ખૂબ જ વધારે પ્રેમ કરતો હતો પણ ચોથી પત્ની તેની આંખોનો તારો હતી, બાદશાહ પોતાની ચોથી પત્ની માટે બહુમૂલ્ય ભેટો લાવતો અને બાકીની પત્નીઓ કરતા વધુ તેની તરફ પોતાનો ઝુકાવ રાખતો, બાદશાહની ત્રીજી પત્ની અત્યંત સુંદર હતી અને બાદશાહ હંમેશા દરબારમાં તેને પોતાની સાથે સિંહાસન પર બેસાડતો હતો.
બાદશાહની બીજી પત્ની સમજદાર, સહનશીલ, દયાળુ અને ધીરજવાળી સ્ત્રી હતી અને બાદશાહ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાતો તો પોતાની બીજી પત્નીની સલાહ લેતો અને તેની સલાહોથી ફાયદો મેળવતો.
બાદશાહની પહેલી પત્ની અત્યંત વફાદાર સ્ત્રી હતી તેનો બાદશાહનું સામ્રાજ્ય મેળવવામાં અને બાદશાહ બનવામાં એક મોટો ફાળો હતો પણ બાદશાહ તેને નજરઅંદાજ કરી દેતો હતો અને ક્યારેય તેના કોઈ કામની પ્રશંસા નહોતી કરી.
પછી એક દિવસ બાદશાહ બીમાર પડી ગયો અને બીમારી એટલી વધી ગઈ કે તેને પોતાની દુનિયાથી જવાનો સમય નજીક દેખાવા લાગ્યો, બાદશાહ બોલ્યો "હું કેવો બાદશાહ છું?, મારી ચાર પત્નીઓ છે અને જ્યારે હું મરીશ તો હું એકલો મરીશ, પછી તે પોતાની ચોથી પત્નીને બોલ્યો "મારી આંખોના તારા હું મરવાનો છું હું ચાહું છું તું પણ મારી સાથે ચાલ જેથી કબરની એકલતામાં મારો સાથ આપી શકે.
ચોથી પત્નીએ બાદશાહની વાત સાંભળીને મોઢું બીજી તરફ ફેરવી લીધું અને પછી રૂમમાંથી બહાર ચાલી ગઈ, બીજી વખત બાદશાહે પોતાની ત્રીજી પત્નીને આ જ વિનંતી કરી પણ તેણે પણ સાથે ચાલવાની ના પાડી દીધી.
બંને પત્નીઓની આવી બેરુખી જોઈને બાદશાહનું દિલ ડૂબવા લાગ્યું તો તેણે બીજી પત્નીને સાથે ચાલવાની વિનંતી કરી, બીજી પત્ની બોલી "બાદશાહ સલામત આપ પોતે જ તો કહો છો કે મરનારાઓની સાથે મરાતું નથી તેથી આ મંઝિલ આપે એકલા જ પાર કરવી પડશે".
ત્રણેય પત્નીઓ પછી બાદશાહને ચોથી (પહેલી) પત્નીનો અવાજ સંભળાયો "હું આપની સાથે ચાલીશ જ્યાં પણ આપ જશો હું સાથ આપીશ", બાદશાહે ગરદન ચોથી (પહેલી) પત્ની તરફ ફેરવી જે અત્યંત નબળી અને પીળી (નિસ્તેજ) દેખાઈ રહી હતી બાદશાહે અત્યંત દુઃખી અવાજમાં તેને કહ્યું "મારી જાન-એ-નઝર હાય અત્યંત અફસોસ કાશ મેં તારું ધ્યાન તે સમયે રાખ્યું હોત જ્યારે મારા હાથમાં અધિકાર હતો, આ કહીને બાદશાહનું માથું એક તરફ ઢળી ગયું અને તે આ નાશવંત દુનિયાથી વિદાય લઈ ગયો.
હકીકત એ છે કે આ વાર્તા દરેક માણસના જીવનનું પ્રતિબિંબ પાડે છે દરેક માણસના જીવનમાં ચાર પત્નીઓ હોય છે, ચોથી પત્ની તેનું શરીર છે જેને તંદુરસ્ત (શક્તિશાળી) રાખવા માટે તે આખી જિંદગી કોશિશ કરે છે પણ એક દિવસ તેણે આ શરીર છોડવું પડે છે.
ત્રીજી પત્ની તેની સંપત્તિ અને હોદ્દો છે અને મરવા પર આ પણ છૂટી જાય છે અને બીજાઓમાં વહેંચાઈ જાય છે, બીજી પત્ની, વહાલા સગા-સંબંધીઓ અને મિત્રો છે જે માણસના મર્યા પછી કબર સુધી તેનો સાથ આપે છે અને પછી પાછા પોતાના કામચલાઉ જીવન તરફ ફરી જાય છે.
પહેલી પત્ની માણસનો આત્મા છે અને આખી જિંદગી સુંદર શરીર મેળવવાની ચાહત, ધન અને વૈભવ મેળવવાની ઈચ્છા અને વહાલા સગા-સંબંધીઓ અને મિત્રોની મહેફિલ આપણને આના તરફ ધ્યાન આપવાનો સમય નથી આપતી અને જ્યારે આપણને આની જરૂર પડે છે ત્યાં સુધીમાં આ વૃદ્ધ અને નબળી થઈ ચૂકી હોય છે..