અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે સર્જાયેલા એક ભયાનક વિમાન અકસ્માતમાં પ્રાઈવેટ જેટમાં સવાર પાઈલટ સહિત તમામ 9 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. દક્ષિણ ફ્લોરિડાના એક રહેણાંક વિસ્તારમાં રસ્તા નજીક આ વિમાન ક્રેશ થયું હતું, ત્યારબાદ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને જોરદાર ધડાકો થયો હતો. અમેરિકી પરિવહન મંત્રી સીન ડફીએ તમામ 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
કેવી રીતે થયો અકસ્માત?
લિયરજેટ 60 (Learjet 60) વિમાને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તે બહામાસ જઈ રહ્યું હતું.
ઉડાન દરમિયાન વિમાન અચાનક નીચે તરફ ધસી આવ્યું હતું અને રહેણાંક વિસ્તારમાં રસ્તા નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
ટક્કરના કારણે રસ્તા પર આગનો મોટો ખાડો પડી ગયો હતો અને કાળા ડિબંગ ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાન ઘરોથી થોડાક જ અંતરે ખાબક્યું હતું. પ્રારંભિક માહિતી મુજબ વિમાન સીધું કોઈ ઘર પર પડ્યું નથી.
કારમાં બેઠેલા લોકોએ વિમાનને ઝડપથી નીચે પડતાં અને આગના ગોળામાં ફેરવાતાં પોતાના કેમેરામાં કેપ્ચર કર્યું હતું.
ઘટનાસ્થળની સ્થિતિ
આ અકસ્માત પામ બીચ કાઉન્ટીમાં મિલિટ્રી ટ્રેલ અને 10મી એવન્યુ નોર્થ નજીક થયો હતો. શેરીફ ઓફિસે બંને દિશામાં રસ્તા બંધ કરી દીધા હતા અને લોકોને દૂર રહેવા અપીલ કરી હતી. ફાયર ફાઈટરો અને ઈમરજન્સી ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. નજીકમાં કામ કરતી એક મહિલાના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં લગભગ બે કલાક સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી.
તપાસ
FAA ની એક ટીમ NTSB ની તપાસમાં સહયોગ આપવા માટે મોકલવામાં આવી રહી છે.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને મૃતકોની ઓળખ પણ જાહેર કરવામાં આવી નથી.
ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ એરપોર્ટના પ્રવક્તા જીમ રેનોલ્ડ્સના જણાવ્યા અનુસાર વિમાન ખાનગી હતું અને તેનો ટેલ નંબર N722BD હોવાનું કહેવાય છે.