પાકિસ્તાનના સિંધમાં દર્દનાક દુર્ઘટના: એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો, પ્રસૂતા સમેત 10 લોકોના મોત
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે એક દર્દનાક દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. થારપારકર જિલ્લાના નગરપારકર વિસ્તારમાં દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિલિન્ડર ફાટી ગયો. ધમાકા પછી એમ્બ્યુલન્સમાં આગ લાગી ગઈ, જેની લપેટમાં આવીને એક મહિલા સમેત 10 લોકોના મોત થઈ ગયા. ઘટના બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા છે.
કેવી રીતે થઈ દુર્ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સમાં સવાર મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની તબિયત લથડી ગઈ. તેને વધુ સારી સારવાર માટે દાનો ઢાંઢલના બેસિક હેલ્થ સેન્ટરથી મીઠી શહેરની જિલ્લા હોસ્પિટલે લઈ જવામાં આવી રહી હતી. રસ્તામાં એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સમાં સવાર ઘણા લોકોના જીવ વહી ગયા. મૃતકોમાં તે મહિલા પણ સામેલ છે.
પોલીસે શું જણાવ્યું?
થારપારકરના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP) આરિફ અઝીઝ જાફરીએ અકસ્માતની પુષ્ટિ કરી અને જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર મળ્યા છે.
પ્રારંભિક માહિતી મુજબ, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર વાહનની અંદર ઓક્સિજન સિલિન્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો. આ દરમિયાન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો.
સિલિન્ડર ફાટવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
તપાસ ચાલુ
પોલીસ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે કે વિસ્ફોટ કઈ પરિસ્થિતિઓમાં થયો અને આ માટે કોઈ બેદરકારી જવાબદાર હતી કે નહીં. હાલમાં 10 લોકોના મોતના જ સમાચાર મળ્યા છે.